અર્થશાસ્ત્ર
1. જાહેર ખર્ચ એટલે શું ? તેના ઉદેશો સવિસ્તાર વર્ણવો.
જાહેર ખર્ચ એટલે એવો ખર્ચ કે જે ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે પંચાયતો અને પાલિકાઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
સરકાર જ્યારે ખર્ચ કરે છે ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખીને ખર્ચ કરે છે. તે નીચેની જણાવેલા ઉદ્દેશો સાથે જાહેર ખર્ચ કરે છે :
1.કાયદા અને વ્યવસ્થાની જાળવણી : દેશ માટે આ બાબત ખૂબ જ મહત્વની છે. આ બાબતમાં માત્ર આંતરિક કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણીનો જ સમાવેશ થતો નથી પરંતુ વિદેશી તાકાતોથી દેશનું રક્ષણ કરવાનું મુદ્દો પણ તેમા જ આવી જાય છે. જો દેશમાં રાજકીય અવ્યવસ્થા હોય તો આર્થિક વૃદ્ધિ શક્ય છે શક્ય છે જ નહીં. આથી સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાણા ફાળવે છે. આ ખર્ચ આંતરિક અને બાહ્ય સલામતીના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
2.ઉત્પાદનમાં વધારો : દેશમાં રહેતા લોકોનું જીવનધોરણ દેશમાં જે ઉત્પાદન થાય છે તેના ઉપર આધાર રાખે છે. આથી દેશનું ઉત્પાદન વધે તે રીતે જાહેર ખર્ચ થાય તે ખૂબ જ જરૂરી છે. આથી સરકાર ઉત્પાદન ક્ષેત્રમાં અનુદાન અને સબસીડી આપે છે. આ ઉપરાંત, અંતરમાળખાકીય સુવિધાઓ માટે પણ સરકાર નાણા ફાળવે છે. જેમ કે, ભારત સરકાર ખાતર પર સબસીડી આપે છે કે જેથી ખેતીનું ઉત્પાદન વધે. સરકાર પોતાની કંપની ઊભી કરીને પણ વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન કરવા ખર્ચ કરે છે. સરકાર રસ્તા, રેલ્વે, દૂર સંચાર, પાણી પુરવઠા, વીજળી જેવી અનેક માળખાગત સવલતોની હાજરી હોય તો જ ખાનગી ક્ષેત્ર પણ મૂડીરોકાણ કરવાનો ઉત્સાહ દાખવે છે
3. સામાજિક - આર્થિક અસમાનતામાં ઘટાડો : દેશમાં રહેલી સામાજિક આર્થિક અસમાનતા દેશના વિકાસને અવરોધે છે. આથી જાહેર ખર્ચ એ રીતે કરવામાં આવે કે જેથી સામાજિક આર્થિક અસમાનતા ઘટે. સામાજિક આર્થિક અસમાનતા ઘટાડવા માટે સમાજની સંપત્તિ અને આવકની પુનઃવહેંચણી જરૂરી છે. સમાજનો જે પછાત વર્ગ છે તેને મફત શિક્ષણ, મફત આરોગ્યની સેવાઓ, સસ્તું અનાજ વગેરે પૂરું પાડવું જોઈએ. આ બાબતો પાછળ જો ખર્ચ કરવામાં આવે તો અસમાનતા તો ઓછી થાય જ છે અને સાથે સાથે સમાજના કલ્યાણમાં પણ વધારો કરે છે.
4. આર્થિક સ્થિરતામાં વધારો : મૂડીવાદી અર્થતંત્રમાં અથવા બજારલક્ષી અર્થતંત્રમાં વારે વારે વ્યાપાર ચક્રો ઉદભવતા હોય છે કે જેની અસર આર્થિક વૃદ્ધિ પર પડે છે. જાહેર ખર્ચ આર્થિક સ્થિરતા સ્થપાય તે માટે મહત્વનો ભાગ ભજવે છે. મંદીના સમયગાળા દરમિયાન જાહેર ખર્ચ વધુ હોવો જોઈએ અને તેજીના સમયગાળા દરમિયાન જાહેર ઘટતો હોવો જોઈએ.
5. રોજગારીમાં વધારો : જાહેર ખર્ચ કરવા પાછળનો એક ઉદ્દેશ્ય રોજગારીમાં વધારો થાય છે તે પણ હોવો જોઈએ. મંદીના સમયગાળા દરમિયાન એ રીતે ખર્ચે થવું જોઈએ કે જેથી વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય દા.ત. ભારતમાં 2005 માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાયધરી ધારો (મનરેગા )ઘડાયો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે સરકાર મોટો પ્રમાણમાં ખર્ચ કરે છે.
Comments
Post a Comment